સવારે મહારાજને જગાડવા-બાળભોગ (નાસ્તો ધરાવવો):-
સૌ પ્રથમ સવારે ૬:૦૦ વાગ્યા પહેલા મહારાજને ઘરમંદિર આગળ બે દંડવત કરી ધીરે ધીરે મધુર પ્રભાતિયા તથા પ્રાર્થના બોલી ચરણસ્પર્શ કરી જગાડવા. "જાગો મહારાજ... જાગો દયાળુ..." એમ છડી પોકારવી. ત્યાર પછી મુલાયમ વસ્ત્ર વડે ધીરે ધીરે હળવે હાથે મહારાજને નેત્રમાં વાગી ન જાય એવી રીતે મહારાજની મૂર્તિને ધીરે ધીરે લુછવી (કહેતા સ્નાન કરાવવું) ત્યારબાદ મહારાજને વસ્ત્ર-આભુષણ તથા હાર ધારણ કરાવવો. પછી ૬:૦૦ વાગે મહારાજની મંગળા આરતી કરવી. "જય મંગળકારી પ્રભુ જય મંગળકારી, જય ઘનશ્યામ... " આરતી પછી "હવે મારા વ્હાલાના દર્શન..." આ પદ બોલવું, પછી બાપાના શ્લોક બોલવા "બાપા આપ સદાય દિવ્યરૂપે..." ત્યારબાદ મહાપ્રભુજીની છડી પોકારવી. "સોને કી છડી રૂપે કી મશાલ....."
(૨) બપોરે થાળ-પોઢાડવાઃ-
બપોરે ૧૧:૦૦ થી ૧૧:૩૦ની વચ્ચે મહારાજને થાળ ધરાવવો. ઘરમંદિર આગળ બાજોઠ ઉપર અથવા ટેબલ ઉપર થાળ મુકી પ્રેમવિભોર થઇ "જમોને થાળ..." એમ થાળ બોલી ખૂબ ભાવથી મહારાજને જમાડવા. પછી ઠંડુ જળ ધરાવી મુખવાસ ધરાવવો. (થાળ વખતે મહારાજના હાર ઉતારી લેવા).
ત્યારબાદ બપોરે ૧૨:૦૦ વાગે મહારાજને જળ ધરાવી પોઢાડવા. પોઢાડતી વખતે મહારાજના હાર અથવા ભારે વસ્ત્ર અલંકારો હોય તો ઉતારી લેવા. પછી સિંહાસનનો પડદો બંધ કરવો. ઋતુ પ્રમાણે પંખાની સગવડ રાખવી.
(૩) સાંજે ૪:૦૦ વાગે જગાડવાઃ-
સાંજે ૪:૦૦ વાગે ઘરમંદિર આગળ મહારાજને બે દંડવત કરી પ્રાર્થના કરીને જગાડવા. ત્યાર બાદ મહારાજને ઠંડુ શીતળ જળ ધરાવવુ. જળ ધરાવ્યા પછી ઋતુ પ્રમાણે મહારાજને જુદા જુદા ફ્રુટસ તથા જયુસ અને શરબત ધરાવવા.
ત્યાર પછી મહારાજને જગાડવાની ત્રીજી માનસીપૂજા કરવી ત્યારબાદ "મહાબળવંત માયા તમારી..." પ્રાર્થના બોલવી પછી ઓરડાના પદ "આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ......" બોલવા.
(૪) સંધ્યા થાળ-આરતીઃ-
સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વચ્ચે મહારાજને થાળ ધરાવવો. મહારાજ સ્વયં પ્રત્યક્ષ થાળ જમી રહ્યા છે એવા ભાવ સાથે થાળ બોલતા બોલતા મહારાજને જમાડવા. "રૂડી રાંધી મે રસીયાજી ખાંતે ખીચડી રે......" ઠાકોરજીના થાળ બાદ ગોડી પદ બોલી, શિયાળામાં ૬:૩૦ ને ઉનાળામાં ૭:૦૦ થી ૭:૩૦ વચ્ચે સમય પ્રમાણે સંધ્યા આરતી કરવી "આરતી પ્રગટ પ્રભુજી કી કીજે...." અથવા જય સદ્ગુરુ સ્વામી...." આરતી બોલવી. આરતી પછી ધૂન, અષ્ટક, પ્રાર્થના વગેરે કરવું.
(૫) રાત્રે પોઢાડવાઃ-
રાત્રે ૯:૦૦ વાગે મહારાજને જળ ધરાવી પોઢાડવા. જો થાળ વહેલો કર્યો હોય તો મહારાજને પોઢાડતી વખતે દૂધ ધરાવવું. પછી જળ ધરાવવું. ત્યાર બાદ હાર ઉતારી લીધા પછી બે દંડવત કરી ઘરમંદિરના પડદા બંધ કરવા. અને પોઢણીયું બોલવુ. "પોઢે પ્રભુ સકળ મુનિ કે...." અથવા "પોઢો પોઢો સહજાનંદ સ્વામી...".
અન્ય બાબતોઃ- ઘરમંદિરની સેવા ઋતુ પ્રમાણે સમયે સમયે કરવી જોઇએ જો ઉનાળો હોય તો મહારાજની માટે પંખાની યોગ્ય વયવસ્થા કરવી, તથા દિવસ દરમ્યાન બે-ત્રણ કલાકે મહારાજને જળ ધરાવવું. જેમકે સવારે ૮,૧૦ વાગે સાંજે ૬ વાગે બપોરે તથા રાત્રે મહારાજ પોઢે તો સિંહાસન પાસે મહારાજ માટે જળ મુકવું જોઇએ.
શિયાળો હોય તો મહારાજને ગરમ વસ્ત્રો ઓઢાડવા જોઇએ. રાત્રે રજાઇ કે ગોદડી અથવા ધાબળો ઓઢાડવો જોઇએ.
પ.પૂ.સ્વામીશ્રી કહે છે કે "જેટલા આપણે ઠાકોરજીને સાચવીશું એટલા ઠાકોરજી આપણને સાચવશે" દિવ્યભાવ સાથે મહારાજની સેવા-પૂજા કરવી જોઇએ.