Get Adobe Flash player
 
 
 
 
 
 
 
Home  
 
 
 
 
 
 
 
       સ્વામિનારાયણ ભગવાન અવરભાવમાં મનુષ્યરૂપે બિરાજતા ત્યારની આ વાત છે. એક વખત અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન સ્વામિનારાયણની જુનાગઢમાં ભવ્ય સવારી નીકળી. હાથીને શણગારી તેના ઊપર એક સુંદર સોનાની અંબાડીમાં મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણ બિરાજેલા. આજે પ્રેમીભકતોના મનોરથ પૂરા કરવા અને જુનાગઢના મુમુક્ષુ જીવોને મોક્ષભાગી કરવા સ્વયં પ્રભુ પોતે સવારીમાં પધાર્યા. જુનાગઢની એક એક શેરી, એક એક ગલીઓ આજે દર્શન કરવા આવેલા હરિભકતોથી ભરાઇ ગઇ હતી. સૌના આનંદનો આજે પાર નહોતો.
       સવારી ધીરે ધીરે જુનાગઢની બજારોમાં આગળ વધી રહી હતી પ્રેમીભકતો મહારાજને જુદા-જુદા મેવા - મીઠાઇઓ અર્પણ કરી રહયા હતા. આ બધું એક નાનકડો બાળક ઊભો ઊભો જોયા કરતો હતો. એને પણ થયું કે મારે પ્રભુને કંઇક અર્પણ કરવું છે. પણ હું શું આપું ? એને વિચાર આવ્યો કે મારી પાસે આ સરસ મજાની કુણી કુણી કાકડી છે, તે ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરવી છે. એવા સંકલ્પથી કાકડી લઇ રસ્તાની એક બાજુ ઊભો રહી ગયો. હજારો હરિભકતો મહારાજનાં દર્શન કરવા ઊમટેલા. ચારે બાજુ નરી ભીડ જ હતી, ત્યાં આ નાનકડા બાળકને કોણ જુએ? પણ મહારાજ તો સાચા ભાવના ભૂખ્યા હોય તે કંઇ મેવા-મીઠાઇના ભૂખ્યા ન હોય. તેથી ભાવના ભૂખ્યા મહારાજે તો સવારી રોકાવી, બાળકને નજીક બોલાવી હાથી ઉપર બેઠા બેઠા પોતાનો હાથ લાંબો કરી, બાળક પાસેથી કાકડી સ્વીકારી લીધી. આ નાનકડો બાળક તો રાજીનો રેડ થઇ ગયો, ખુશખુશાલ થઇ ગયો. નાચવા ને કૂદવા લાગ્યો. સવારી તો ધીરે ધીરે આગળ નીકળી ગઇ પણ આ નાનકડા બાળકનો સાચો પ્રેમ અને સાચો ભાવ હતો, વળી નાનાં બાળકો તો સ્વામિનારાયણ ભગવાનને ખૂબ વ્હાલા, તેથી તેની સેવાનો સ્વીકાર કરી પ્રભુ પોતે ચાલુ સવારીએ કાકડી જમવા લાગ્યા. સવારી આગળ વધતાં જુનાગઢના રાજાના મહેલ તરફ ગઇ. રાજમહેલના ઝરૂખામાં રાજા-રાણી સૌ કોઇ મહારાજના દર્શને ઊભેલા, પરંતુ મહાપ્રભુ તો એ નાનકડા બાળકના પ્રેમનો સ્વીકાર કરી કાકડી જમતા હતા. કેવો અપાર રાજીપો હશે એ નાનકડા બાળમુકત ઉપર ! મહારાજે એ વિચાર ન કર્યો કે લોકો શું વિચારશે કે લોકોને શું લાગશે !
   
બોધ :-
૧) નાના બાળકે કેવળ મહારાજને રાજી કરવાની ઇચ્છાથી જ અલ્પ સેવા કરી તો મહારાજ તેના ઉપર ખૂબ રાજી થયા.
ર) સાચા ભાવે તથા નિષ્કામભાવે પ્રાર્થના સાથે કંઇક સંકલ્પ, મનોરથ કરીએ તો મહારાજ જરૂર પૂરો કરે.
૩) મહારાજ તો ભકતના ભાવના ભૂખ્યા છે નહીં કે વસ્તુ કે પદાર્થના.
૪) મહારાજની સેવામાં કોઇ વસ્તુ નાની મોટી નથી પણ સાચો પ્રેમ મહત્વનો છે.
પ) મહારાજ કે સંતો આપણા ગામમાં ઘેર કે શેરીમાં પધારે તો આપણે કંઇક કાલી ઘેલી જેવી આવડે એવી સેવા કરવી જોઇએ.