Get Adobe Flash player
 
 
 
 
 
 
 
Home  
 
 
 
 
 
 
 

       વર્ષો પહેલાંની વાત છે. એક કિશોર પરદેશમાં રહે, એકવાર તે એક બગીચા પાસેથી પસાર થઈ રહ્યો હતો. શિયાળાની ઠંડીના દિવસો હતા. ઠંડો પવન ચારેબાજુ પોતાની પકડ જમાવીને સૌને હેરાન પરેશાન કરતો હતો. કિશોરની નજર સૂક્ષ્મ હતી. તેને અવલોકન કરવાની ટેવ નાનપણથી જ હતી. એક મધમાખી એક ફૂલ ઉપર બેઠી હતી. કિશોરે જોયું કે આટલો બધો પવન ફૂંકાતો હતો, પણ તેને તેની કોઈ જ અસર નહીં. આજે આવી ઠંડીમાં હું મારું કામ પાછું ઠેલું અને આવતી કાલે સારા વાતાવરણમાં મારું આ કામ પતાવીશ, તેવી કોઈ જ ઈચ્છા મધમાખીને ન હતી. બસ, એક જ ધ્યેય છે. ફૂલ પર ગુલતાન થઈને રસ ચૂસ્યા કરે છે. ગમે તે પરિસ્થિતિ આવે કે ગમે તેવી આપત્તિ આવે પણ મારે તો ફૂલોનો રસ ભેગો કરવો છે. આ ધ્યેય સાથે હું સદાય (ગુલતાન) સંલગ્ન છું. તેથી તેમાં બાંધછોડ નહિ કરું.

       કિશોરને અંતઃદૃષ્ટિ થઈ. આ તો એક સામાન્ય જંતુ છે તોપણ મને તે કેવો બોધપાઠ શીખવે છે ? જ્યારે મારામાં તો બુધ્ધિ છે, શક્તિ છે, આવડત છે; બધું જ પ્રભુએ મને આપ્યું છે, તો હું શું ન કરી શકું ?

       કિશોર થોડો મોટો થયો. તેણે ચૂંટણીમાં ઝંપલાવ્યું. તેણે જોયું તો પોતાની ભાષા બહુ જ નબળી હતી. તેણે વિચાર્યું કે જો હું વ્યાકરણમાં પારંગત હોઉં તો મારી ભાષા સુધરી શકે તેમ છે. પછી જ પ્રવચનની અસર લોકો પર પાડી શકે. સુંદર, આકર્ષક વક્તવ્ય માટે ભાષાની સુંદર પકડ પણ જરૂરી પરિબળ છે. અને તે માટે તેટલું જ મહત્ત્વનું પરબળ છે. માટે મારે વ્યાકરણમાં પારંગતતા મેળવવી જરૂરી છે. હવે તેમનો કાર્ય ધ્યેય બદલાયો.

       વ્યાકરણ ક્યાં શીખવું ને કેવી રીતે શીખવું તે તરફ; તેમના વિચારો ગતિ કરવા લાગ્યા. એ વખતે પણ કડકડતી ઠંડીના દિવસો હતા. પોતે આર્થિક રીતે બહુ જ ગરીબ. તેથી પગમાં પહેરવાના જોડા ન મળે, પણ તે હિંમત ના હાર્યા. તેમણે ઉઘાડા પગે બરફમાં છ માઈલ ચાલીને વ્યાકરણ શીખવાનું શરૂ કર્યું. ઉઘાડા પગે જ બરફમાં છ માઈલ ચાલ્યા અને એટલું જ અંતર કાપીને પાછા ઘરે આવ્યા. આવી ઘટના કાંઈ પ્રથમ જ વાર નહોતી બની. આવા તો કેટલાય પ્રસંગોમાં તેમની અડગતાની કસોટી થતી. આમ, અથાગ પરિશ્રમથી તેમણે ભાષા પર ટૂંક સમયમાં પકડ મેળવી લીધી.

       હવે તેમણે ચૂંટણીમાં ઝંપલાવ્યું. એમ છતાં પણ બાર-બાર વખત ચૂંટણીમાં હાર મળી. દર વખતે હારે અને પોતાના જીવનમાં મધમાખીનું દૃષ્ટાંત યાદ આવે. પછી તે ફરીથી તૈયાર થઈ જાય. આળસ અને નિરાશાને ખંખેરી નાંખે. તેરમી વખત તેમણે ચૂંટણીમાં ઝંપલાવ્યું અને તેઓ વિજયી બન્યા. તેઓ દૃઢ નિશ્ચયી, અદ્ભુત ઉત્સાહી હતા. એમની ચૂંટણી સભાઓ, એમનું સેનેટ સંચાલન, એમનો રાજકારભાર, પ્રશ્નો ઉકેલવાની પધ્ધતિ, બધી જ નાની મોટી બાબતોમાં વિશિષ્ટ પ્રતિભાનાં દર્શન થાય. એ હતા અમેરિકાના એક વખતના પ્રેસિડન્ટ અબ્રહમલિંકન, ઉત્સાહનો અખૂટ સાગર જ જોઈ લ્યો. .

 

 

બોધ :-

૧) આપણી આજુબાજુ બનતા પ્રસંગ કે ઘટના કોઈ ને પણ વસ્તુ કે વ્યક્તિમાંથી ગુણ લેતા શીખીએ.
ર)  આપણે જીવનનો ધ્યેય નક્કી કરી એ ધ્યેયને હાંસલ કરવા મંડ્યા રહીએ.
૩) જીવનમાં કોઈ પણ લક્ષ સિદ્ધ કરવા માટે આળસ અને નિરાશાને ખંખેરી દઈએ.
૪) ધ્યેય સિધ્ધ કરવા જો અથાગ પરિશ્રમ કરવામાં આવે તો ધારીએ તેવી સફળતા મેળવી શકીએ.
૫) જીવનમાં કશું જ અશક્ય નથી. એમાંય આપણી સાથે તો મહારાજ, બાપા અને પ.પૂ.બાપજી છે તો પુરુષપ્રયત્ન અને પ્રાર્થનાનો      સહારો લઈ ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહીએ.