એક ગામમાં એક નાનકડું મંદિર હતું. આ મંદિરમાં ઘણાં વર્ષોથી એક પૂજારી ભગવાનની સેવાપૂજા કરતા. ભગવાનને જગાડે, જમાડે, આરતી કરે. મંદિરમાં રોજ સવારે ને સાંજે આરતી થાય એમાં ગામના ઘણાં બધાં બાળકો અને વડીલો પણ આવતાં.
એક દિવસ આ પૂજારીને બે ત્રણ દિવસ માટે બહારગામ જવાનું થયું. પૂજારીને પ્રશ્ન થયો હું જઉં તો ખરો પણ આ સેવા પૂજા કોને સોંપીને જઉં. વિચારતાં – વિચારતાં તેમની નજર એક બાળક ઉપર પડી જે રોજ મંદિરે દર્શન કરવા આવતો હતો. એનું નામ હતું મસ્તરામ. ખરેખર, જેવા નામ એવા જ એનામાં ગુણ હતા. એ બહુ ભણ્યો નહોતો, પરંતુ બહુ ભોળો હતો.
પૂજારીએ મસ્તરામને બોલાવ્યોને બધી વાત કરી. મસ્તરામતો રાજી રાજી થઈ ગયો. પૂજારીએ કેવી રીતે સેવા કરવી એ બધુંય શીખવાડવા માંડ્યું સવારે વહેલા મહારાજને જગાડવા, આરતી કરવી, બપોરે થાળ કરવો વગેરે. તથા રસોઈ માટે સીધું સામાન બતાવ્યું. પૂજારીતો બહારગામ જવા નીકળી ગયા.
બીજા દિવસે સવારે મસ્તરામ તો નાહી ધોઈને મંદિરે આવ્યો. મહારાજને જગાડી આરતી કરી. બપોરના થાળ બનાવ્યાને; મહારાજ આગળ બાજોઠ ઢાળી ઉપર થાળ મૂક્યોને; મહારાજને પ્રાર્થના કરી: “હે મારા નાથ દયાળુ જમાડવા પધારો...” મસ્તરામતો હાથ જોડી મહારાજની રાહ જોવા લાગ્યો એને એમ કે હમણાં મહારાજ આવશે. ને આ થાળ જમાડવા માંડશે. પાંચ છ વાર મહારાજને ખૂબ પ્રાર્થના કરી, છતાં મહારાજ ન પધાર્યા.
મહારાજને કહે, “મહારાજ કંઈ ખાટું, મોળું હોય તો કહેજો પણ જમાડવા પધારો નહિતો હું મારા ગુરુને શું મોઢું બતાવીશ ?” પછી તો મસ્તરામ રસોડામાં જઈ છરી લઈ આવ્યોને કહે, “જો મહારાજ જમાડવા નહિ પધારો તો હું આ છરી પેટમાં નાખી મરી જઈશ. મારા ગુરુના હાથના થાળ જમો અને મારા હાથના કેમ નહીં...! હું શું જવાબ આપીશ મારા ગુરુને ?
મસ્તરામના આવા પ્રગટભાવના શબ્દો સાંભળતા જ મહારાજ સ્વયં પોતે થાળ જમવા લાગ્યા. મસ્તરામના આનંદનો પાર ન રહ્યો. એતો હોંશે હોંશે તાણ કરી, મહારાજને પીરસતો જાય અને જમાડતો જાય ને મીઠો ઠપકો આપતો જાય. મહારાજ, મારા બાપા, તમે તો બહુ જબરા પણ હવે મારા ગુરુ ન આવે ત્યાં સુધી આવું ન કરતા. સમયે સમયે જમી લેજો, પોઢી જજો ને વળી જાગી જજો...”
પછી તો ટાણે ટાણે મહારાજ સ્વયં પધારી મસ્તરામની સેવાને સ્વીકારી લે. જોત જોતામાં બે ત્રણ દિવસ વીતી ગયા. ગુરુજી પાછા પધાર્યાને મસ્તરામના સમાચાર લેવા માંડ્યા. હજુ ગુરુજી કંઈ પુછે એ પહેલા મસ્તરામ બોલી ઉઠ્યો કે, “ગુરુજી તમારા ભગવાનથી તો તોબા પહેલાં દિવસે તો મને એટલો બધો કગરાવ્યો કે ન પૂછો વાત પછી એવા સીધા થઈ ગયા કે કહીએ એટલે તરત જમવા આવી જાય, પોઢી જાય, જાગી જાય.”
ગુરુજી સમજી ગયા કે, “હું વર્ષોથી સેવા પૂજા કરું છું પણ મને મસ્તરામ જેવી મૂર્તિને વિષે પ્રગટભાવ નથી, જ્યારે આ નાનકડા મસ્તરામને કેવો પ્રગટભાવ છે. કેવા પ્રગટભાવથી સેવા કરી હશે તો સ્વયં મહારાજે એની સેવા સ્વીકારી. પૂજારીને પોતાની ભૂલ સમજાઈ ગઈ.