Get Adobe Flash player
 
 
 
 
 
 
 
Home  
 
 
 
 
 
 
 

       ભાદરા નામે એક સુંદર ગામ. આ ગામમાં ભોળાનાથ રામો નામના એક ભગવદીય ભકત રહે, એમને બે દીકરા એકનું નામ મૂળજીભાઇ અને બીજાનું નામ સુંદરજીભાઇ. બંન્ને બાળકો ખૂબ જ સંસ્કારી, એમાંય મુળજીભાઇ તો કંઇક જુદી માટીનાં જ હતા આ શબ્દ ન શોભે અન્ય બીજા બાળક કરતા જુદા તરી આવતાં. એમનું રમવું, એમનું ગાવુ, એમનું જમવું બધું બીજા બાળક કરતા જુદું જોવા મળે. જો મિત્રો સાથે રમવા ગયા હોય તો રમતો પણ ભગવાનની જ રમે. માટીનું મંદિર બનાવે, મંદિરમાં મુર્તિ પધરાવે, હાથના લટકાથી આરતી ઊતારે, ધૂન બોલે, કીર્તન બોલે આમ, એમનું જીવન નાનપણથી જ મહારાજના ગમતાંમાં જ રહ્યું હતું રાત્રે સૂવે ત્યારે પણ માતા સાકરબાઇની પાસે બેસી કથા વાંચે ધૂન-કીર્તન બોલે.

       મૂળજીભાઇના પિતા ભોળાનાથ રામોને દીકરાનું આ વર્તન બહું ગમે નહિ. એક દિવસ પિતાજી ઠપકો આપતા કહે, "મૂળજી, આ અત્યારથી નાની ઉંમરે ભગવાન ભગવાન કરે છે તે તારે તો હજી ઘણી વાર છે. ભગવાન તો ઘડપણમાં ભજાય અત્યારે તો ખાવો-પીવો આનંદ-કિલ્લોલ કરો, મોજ-મસ્તી કરો અત્યારે તો હરવા-ફરવાની ને જમવાની ઉંમર છે એમાં આવ બધું ન કરાય."

       નાનકડા એવા મૂળજીભાઇ તો પિતાજીનો ઠપકો ચૂપચાપ સાંભળી રહયા. એક શબ્દ પણ બોલ્યા નહીં. બીજા દિવસે સવારે મૂળજીભાઇ તો વહેલા ઊઠી નાહી-ધોહી પૂજા કરી ગામમાં ફરવા નીકળ્યા. ગામના ઓટલે, ચબૂતરે ચોરે બધેય ભાભાઓ ટોળા કરી કે ડાયરા ભરી બેઠા હતા. ગામગપાટા કરતા હોય, કોઇની મશ્કરી કરતા હોય, કોઇની નિંદા કે ચાડી-ચૂગલી કરતા હોય પણ કોઇ ભાભો ભગવાન ભજતા જોયા નહીં. વળી, મૂળજીભાઇએ તો એક ભાભાને કહયું, "બાપા હવે બુઢાપો આવ્યો માથે ધોળા આવ્યા થોડા દિવસમાં જવું પડશે હો, માટે ભગવાન ભજો, આ સાંભળતા બાપા તો ખિજાઇ ગયા. બાપાનો પિત્તો ગયો ને લાકડી લઇ મૂળજીભાઇને મારવા પાછળ દોડયા. "નાના મોઢે મોટી વાતું કરે છે..! ના જોવી હોય તો મોટો ભગતડો નાના મોટા કોઈની મર્યાદા રાખતો નથી પાછી મને ઉપદેશ આપવા નીકળ્યો છે તારા બાપને જ કહીં દઉં.

       આમ, સવારથી સાંજ સુધી મૂળજીભાઇ ગામમાં બધેય ફર્યા પરંતુ કોઇ ભાભાને ભજન- ભકિત કરતા જોયા નહિ. સાંજ પડી એટલે મૂળજીભાઇ તો ઘેર આવ્યા એમના પિતાજીએ પૂછયું "બેટા મૂળજી સવારનો કયાં ગયો હતો..!"

       પિતાજી એ તો કાલે તમે કહેતા હતા કે, ભગવાન તો ઘડપણમાં ભજાય એટલે હું ગામમાં જોવા ગયો હતો કે કેટલા ઘરડા ભગવાન ભજે છે! આખા ગામમાં ફર્યો પણ કોઇને ભગવાન ભજતા જોયા નહીં. બધા ઘરડા ભાભાઓ ટોળે વળીને ગામગપાટા જ કરતા હતા. વળી, આ દેહનો શું નિરધાર કયારે ભગવાન લઇ જાય તો પછી ભગવાન ભજવાનું કામ શા માટે કાલ ઉપર છોડવું જોઇએ માટે આ ઉંમરમાં જ ભગવાન ભજાય આ ઉંમરમાં ભગવાન ભજયા હોય, મહારાજે રાજી કરવા બરાબર જ છે, કેવો એમનો આગ્રહ.. તો ઘડપણમાં ભજાય વાહ મૂળજીભાઇ વાહ ! કેવો તમારો આગ્રહ બાળમુકતો, આ મૂળજીભગત એટલે કોણ ! તમે ઓળખો છો ! હા આ મૂળજીભગત એટલે જ આપણા મહા સમર્થ સદ્. ગુણાતીતાનંદ સ્વામી આવા મહાસમર્થ અને દિવ્ય પુરુષોના જીવન નાનપણથી જ બીજા કરતા જુદા તરી આવતા હોય છે. એમનાં દિવ્યજીવનમાંથી અનંત મુમુક્ષુઓ દિવ્યજીવનની પ્રેરણા લેતા હોય છે અને એટલે જ તો તેમને પ્રેરણામૂર્તિ કહીએ છીએ, આવો મૂળજીભગતના આ પ્રસંગમાં આપણો પણ નાનપણથી ભગવાન ભજવાની પ્રેરણા લઇએ. નાનપણથી ભગવાન ભજવાનું અંગ પાડવા મંદિરે દર્શન કરવા જવું પૂજા કરવી, આપણી બાળસભામાં જવું નિત્ય માળા કરવી, કીર્તન ભકિત કરવી તો આપણે પણ મૂળજીભગત જેવા થઇ શકીએ..

 

બોધ :-
૧) વડીલો આપણને કઇ ઠપકો આપે તો શાંતિથી સાંભળી લેવું પણ સામું બોલવું નહીં.
ર) બાળસભામાં નિયમિત જવું જોઇએ કોઇનો વાદ ન લેવો.
૩) આપણે રમતો પણ ભગવાન સબંધી રામવી જોઇએ એટલે કે મહારાજ અને મોટાપુરુષ રાજી થાય એવું જ રમાય.
૪) હાલતા - ચાલતા અખંડ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મંત્રનુ રટન કરવું જોઇએ.