પેલા વિદ્યાર્થીને તમાચો માર્યો હતો તેનું અંતરે દુઃખ થયા કરે છે. તેમને કરેલા કૃત્ય બદલ પસ્તાવો થાય છે. તેઓ વિચાર છે: “શું ખરેખર મારા કરતાં બળહીનને મેં માર્યો એ મારી સાચી મહાનતા છે ? શારીરિક બળની દૃષ્ટિએ કદાચ એ મારા કરતા પાછળ છે. પરંતુ અભ્યાસમાં તો એ મારા કરતા કેટલો બધો હોંશિયાર છે ? ખરેખર મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ.” આમ વિચારતા ન્યૂટન એ વિદ્યાર્થીને યાદ કરી મનોમન તેની સાચા દિલથી માફી માંગી લે છે, સાથે સાથે પ્રભુને પણ બે હાથ જોડી પ્રાર્થે છે “હે પ્રભો ! મારાથી આજે એ વિદ્યાર્થી સાથે અયોગ્ય વર્તાવ થઈ ગયો એ બદલ મને માફ કરજો.”
પ્રાર્થના બાદ ન્યૂટન મનોમન દૃઢ સંકલ્પ કરે છે: “હવેથી હું એ વિદ્યાર્થીનો ગુણ ગ્રહણ કરીશ ને અભ્યાસમાં એના કરતા પણ હોંશિયાર થઈશ જ. એના કરતા પણ સારા માર્કસ લાવીશ જ. આજ મારા જીવનની સાચી મહાનતા ગણાશે.” અને સાચી મહાનતા પામવાના ઉચ્ચ આદર્શ સાથે ન્યૂટન અથાગ પરિશ્રમ કરવાં મંડી પડ્યા. પોતાના ધ્યેયને હાંસલ કરવા માટે પોતાના જીવનમાં નડતરરૂપ બનતાં કુલક્ષણો જેવા કે આળસ, પ્રમાદ, ગાફલાઈ, બેદરકારી, અનિયમિતતાનો સદંતર ત્યાગ કર્યો. કહેવાની જરૂર નહીં પડે કે પરિણામ શું આવ્યું ? ન્યૂટન તે હોંશિયાર વિદ્યાર્થી કરતાં પણ સારા માર્કસથી પાસ થયા. સાથે સાથે તેઓ કદી કોઈની સાથે ઉગ્ર બન્યા નથી. સૌની સાથે ખૂબ પ્રેમથી હળીમળીને રહેવા લાગ્યા. આનું નામ સાચી મહાનતા.